કાણોદર મોમીન જૂની જુમાતની પીર અબુતાલેબ બાવા સાહેબની દરગાહ ટ્રસ્ટ, ખંભાત. રજી. નં. બી ૪૬૩ (ખેડા)

સોને કી છડી રૂપેકી મશાલ,સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબની ગાદી અમર તપો બડેજાં મહેરબાન........ સલામ

કાણોદર તા. પાલનપુર જી. બનાસકાંઠામાં રહેતા મોમીન ભાઈઓ બહેનો હાજર પીર સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબને માનનાર મુરીદો (સભ્યો) છે. અમારા હાજર પીરની દરગાહ નારેશ્વર તળાવ પાસે ખંભાત જી. આણંદ મુકામે આવેલ છે. જેની માલિકી કાણોદર મોમીન જુની જુમાતની છે અને તેનો વહીવટ પણ આ જુમાત દ્વારા થાય છે. આ જુમાત કાણોદર ગામની એક જીવંત અને એકતા સભર, સંસ્કારી શિસ્ત અને સેવામાં માનનાર આગવો સમુદાય છે .

આ સમુદાયના લોકો જીવ માત્રની સેવા અને સમૃદ્ધિમાં માને છે. દરેક સભ્યમાં એકતા, સેવા, ધર્મનિષ્ઠાની ભાવના અને વિકાસના બીજ રોપાયેલા છે. આ સમુદાય પરંપરાગત મૂલ્યને જીવંત રાખી સમાજનો આધ્યાત્મિક,સામાજિક, શેક્ષણિક, આરોગ્ય વિષયક, સાંસ્કૃતિક અને સંગઠિત સમુદાયનું નિર્માણ કરવાનું દીર્ઘ દ્રષ્ટિ (મિશન) રાખે છે.જ્યાં દરેક વ્યક્તિને સમાન અવકાશ અને વિકાસની તક મળે અને દિર્ધ દ્રષ્ટિ અને સેવા ધરાવતા માનવનું નિર્માણ થાય તેવી શુભ ભાવનાની પુષ્ટી કરે છે.

મોમીન લોકો આશરે પાંચસો વર્ષ પૂર્વ જુદી જુદી કોમના હિન્દુઓ હતા તેમને પીર સદરોદીન અને પીર હસન કબીરોદીન સાહેબે કાશી જાત્રા માટે જતા સંઘને ચમત્કાર બતાવી હિંદુ માંથી મોમીન બનાવ્યા. તેમના વંશમાં બુજરક પીરો થઈ ગયા જેમાં પીર મશાયખ રહે. બાવાએ ગુજરી ભાષામાં પોતાના મુરીદો સમજી શકે તે રીતે ૧૩ ફસલો તથા ૫ આત્મજ્ઞાન ની કિતાબો લખી. આ કિતાબોને માનનાર અને તેમના દીન ઉપર કાયમ રહેતા આ કાણોદર મોમીન જૂની જુમાતનો સમાજ સમયાંતરે કુરશીનામાં આવતા પીરોને માનતો આવ્યો છે. જેમાં હાલ ખંભાત મુકામે આવેલ હાજર પીર સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબના મુરીદો તરીકે ઓળખાતો અને તેમને માનતો સમાજ એટલે કાણોદર મોમીન જૂની જુમાત. (પેજ નં ૧૭. )

કાણોદર મોમીન જુની જુમાત સ્વૈચ્છીક સભ્યોની બનેલી છે. આ જુમાતનો સભ્ય તેની સભ્ય ફી તેમજ લાગા ફી ભરીને પોતે સભ્ય બને છે. જેની ઉમર ૧૮ વર્ષથી ઉપરની હોય અને પુરુષ સભ્ય હોય તેને જુમાતે નકકી કરેલ લાગા ફી તેમજ સભ્ય ફી ભરવાની હોય છે. ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો અને તેની પત્ની જુમાતના પાઘડી ધારક સભ્યના કુટુંબ સાથે ગણવામાં આવે છે. વિધવા ઔરત તેમના મર્હુમ પતિની કુટુંબની વ્યાખ્યામાં જુમાતના સભ્ય તરીકે ગણાય છે. તેમજ અપરણીત સ્ત્રી (૧૮ વર્ષથી ઉપરની) તેમના પિતા ને કારણે જુમાત નો સભ્ય ગણાય છે. જો કે વિધવા ઓરત તેમજ અપરણીત સ્ત્રીને સભ્ય ફી માંથી મુકિત આપવામાં આવે છે.

બાળકના જન્મ ના ચાલીસ દિવસ બાદ ગામ મુખી સાહેબના હસ્તે બાળકને કંકણનુ પાહુળ પીવડાવવામાં આવે છે. ગામ મુખી સાહેબ તે બાળકને કંકણ કરી તેને સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબના મુરીદ તરીકે જુમાતમાં તેની નોંધણી કરે છે. એટલે કે કા.મો.જુ. જુમાતનો સભ્ય પીર અબુતાલેબ બાવા સાહેબનો મુરીદ હોય છે. અન્ય કોઈ બહારની જુમાતનો વ્યકિત તેમનો મુરીદ ગણાતો નથી.

દરેક સમાજમાં ધર્મ સાથે ચલણ/પ્રણાલી હોય છે. ધર્મ વિષે ના પુસ્તકો (કિતાબો) વિગેરે હોય પરંતુ ચલણની કોઈ નોંધ જોવા મળતી નથી. તે વંશ પરંપરાથી જેતે સમાજમાં ચાલી આવતી હોય છે. સમાજમાં અનુસાશન પોતાની રીતે દરેક વ્યકિતએ કરતો હોય છે. સદર અનુસાશન થી તે વ્યકિત તેના ચલણ, પ્રણાલી, પ્રથા ને કારણે તેના સમાજની ઓળખ બને છે. તેમ આપણી જુમાતમાં પણ અમુક ચોકકસ પ્રણાલી, ચલણો, પ્રથા છે. જેનાથી કા.મો.જુની જુમાતના સભ્યની ઓળખ થતી હોય છે.

એમાંય આપણી જુમાતના સભ્યની આગવી ઓળખ આપણી વાણી-વર્તન – સંસ્કૃતિની એક આગવી છાપ ઉભી કરે છે. જે આપણા બાપ-દાદાના સંસ્કારો અને બાવા સાહેબના આર્શીવાદ ની મહેરબાની છે.

આપણી જુમાતના સભ્યની સામાન્ય ઓળખ

१. બાળકના જન્મના ચાલીસ દિવસ બાદ ગામ મુખી સાહેબના હસ્તે કંકણનુ પાહુળ પીવડાવી બાવા સાહેબના મુરીદ તરીકે નોંધણી કરાવે છે.

२. ૧૮ વર્ષની ઉંમર બાદ જુમાતનો પુરુષ સભ્ય ફી ભરે અને પીર પ્રત્યેની માન્યતા કાયમ રાખી પીરની લાગ્યા ફી નિયમિત ભરે છે.

3. પુખ્ત વયની ઉંમરના છોકરાના લગ્ન પ્રસંગે આપણી જુમાતના નકકી કરેલ કાજી સાહેબ પાસે નિકાહવાની ની વિધિ કરાવવામાં આવે છે.

४. છોકરીના લગ્ન પ્રસંગે વાલીએ જુમાતની કાર્યવાહક સમિતિને દિકરીનુ લગ્ન લખવા માટેનું નિયત નમુના મુજબ આમંત્રણ આપે છે.

५. દિકરી કે દિકરાના લગ્ન પ્રસંગની દરેક વિધિ જુમાતના પરંપરાગત નિયમો મુજબ કરે છે.

6. કન્યાના લગ્ન પ્રસંગે જાહેર જમણમાં જુમાતખાનામાં, દરગાહ કે જુમાતની અન્ય ધાર્મિક જગ્યામાં શુધ્ધ શાકાહારી ભોજનનો ઉપયોગ કરે છે.

७. જમાતના સભ્યના ત્યાં મૃત્યુ પ્રસંગે વર્ષોથી ચાલી આવતી આપણી પ્રણાલી મુજબ મોત પછીની સમગ્ર વિધિ (નવડાવવાની, જનાજાની નમાઝ, દફન વિધિ, ફાતીયાની વિધિ, તેમજ મિજલસ જુમાતના નકકી કરેલા કાજી સાહેબ તેમજ બેનીશ્રી પાસે કરાવે છે.

8. આપણી જુમાતનો સભ્ય સાચો મોમીન છે. પીરપંથી છે. પીર પ્રત્યનુ યકીન ટકી રહે તે હેતુસર દર ગુરુવારે, ભાદરવા માસનુ તેમજ સંદલ ઓરસની પાહુળ ક્રિયામાં હાજરી આપી ભાગ લે છે. તેમજ બાવા સાહેબના ગાદી નસીન, સંદલ ઓરસ, ફાગણ ઓરસ, ઈદેમિલાદ, રમઝાન માસની મિજલસ, મોહરમ માસની મિજલસ તેમજ જુમાતના દરેક નાના મોટા પ્રસંગોમાં હાજરી આપી સહભાગી બને છે.

9. જુમાતના તમામ ધાર્મિક પ્રસંગો, મોત – મૈયત, મિજલસ, દરગાહ તેમજ જુમાતખાનામાં પ્રસંગોને અનુરૂપ આપણી વંશ પરંપરાથી ચાલ્યા આવતા પહેરવેશ મુજબ યોગ્ય પોશાક તથા ગાંધી ટોપી પહેરીને હાજરી આપે છે.

૧૦. આપણી જુમાતના સભ્યને ત્યાં સારા – નરસા પ્રસંગે આપણી જુમાતના બેનશ્રી પાસે પીર મશાયખ રહે. બાવા સાહેબની લખેલ કિતાબોના બયાન પઢાવવામાં આવે છે.

૧૧. સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબની માન્યતા અંગેના દરગાહના તથા જુમાતખાના અંગેના વંશ પરંપરા થી ચાલ્યા આવતા આપણા નિયમો, રીતિ રીવાજો અને ધાર્મિક પ્રવૃતિઓનુ પાલન કરતો હોય છે.